ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ લિમિટેડ એટલે કે GSFCના સાત નવા જંતુનાશક અને નિંદણનાશક ઉત્પાદનોનું લોન્ચિંગ કર્યું. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ સહિત રાજ્યમંત્રી કક્ષાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પાક સંરક્ષણના આ સાત નવા ઉકેલો ટેક્નોલોજી આધારિત, કાર્યક્ષમ અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચરની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ખેડૂતની સમૃદ્ધિથી કૃષિ સમૃદ્ધિ અને કૃષિ સમૃદ્ધિથી ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનાવવાનો સરકારનો અભિગમ છે.
GSFC દ્વારા ‘સરદાર’ બ્રાન્ડ હેઠળ સરદાર સાથી, સરદાર રફતાર, સરદાર તુફાની ફિપ્રો, સરદાર જાનદાર, સરદાર આધાર, સરદાર જી-ગોલ્ડ અને સરદાર સેનાપતિ નામની સાત નવી પ્રોડક્ટ્સ બજારમાં મૂકવામાં આવી છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન બાદ તૈયાર કરાયેલા આ ઉત્પાદનો ખેડૂતોના પાકને જીવાતો અને નિંદણ સામે રક્ષણ આપવા ઉપયોગી બનશે. ઉત્પાદનો ખેડૂતોને વ્યાજબી ભાવે ઉપલબ્ધ થાય અને પાક તથા જમીનની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કાળજી લેવાઈ છે.
આ સાતેય ઉત્પાદનો GSFCના અધિકૃત વિતરણ નેટવર્ક અને કિસાન સુવિધા કેન્દ્રો મારફતે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે કૃષિ માર્ગદર્શન આપતી ‘કૃષિજીવન’ મેગેઝિનનું પણ અનાવરણ કરવામાં આવ્યું.
Leave a Reply