
અમદાવાદ, 27 સપ્ટેમ્બર 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબરમતી ખાતે ભારતીય રેલવેની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ, શિલાન્યાસ અને શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે ભારતની પ્રથમ LNG સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.

અમિત શાહે ₹700 કરોડના ખર્ચે નિર્મિત WAG-12 સાબરમતી લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત સાબરમતી–સાણંદ–જખવાડા અને સાબરમતી–કલોલ–ભાંડુ મોટીદાઉ રેલખંડ પર 122.57 કિલોમીટરમાં સ્વચાલિત સિગ્નલિંગ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ–પાલનપુર અને અમદાવાદ–સામાખિયાળી રેલખંડ પર 404 કિલોમીટરમાં સ્વદેશી કવચ સિસ્ટમ તેમજ સાબરમતી–સરખેજ રેલવે લાઇનના ડબલિંગનો શિલાન્યાસ કરાયો હતો.

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે આધુનિક સિગ્નલિંગ, કવચ અને ઉચ્ચ ક્ષમતાવાળા લોકોમોટિવથી રેલવેની સુરક્ષા અને માલ પરિવહન ક્ષમતામાં વધારો થશે. LNG સંચાલિત ટ્રેન પર્યાવરણને અનુકૂળ પરિવહન તરફનું પગલું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત માટે વર્ષ 2026-27નું રેલવે બજેટ ₹17,366 કરોડ થયું છે. નવી પરિયોજનાઓથી ગુજરાતની કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ અને મુસાફર સુવિધાઓને વેગ મળશે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદો, ધારાસભ્યો અને રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply